UPSC ક્લિયર કરનાર ગુજરાતના સ્ટુડન્ટને ઇન્ટરવ્યુમાં કેવા કેવા પ્રશ્નો પુછાયા હતા? વાંચો સ્ટુડન્ટે શું જવાબો આપ્યા
ગુજરાતના પાસઆઉટ તમામને રશિયા-યુક્રેન ક્રાઇસિસ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા
એકને અધૂરી શાયરી પૂરી કરવા કહ્યું, એકને LICના IPO વિશે પૂછ્યું
કેન્ડિડેટની નિર્ણય શક્તિ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ માટે રેન્ડમ સવાલો પણ કરવામાં આવે છે: હિરેન બારોટ
હાલમાં UPSC સિવિલ સેવા પરીક્ષા-2021નું રિઝલ્ટ જાહેર થયું, જેમાં ગુજરાતના છ સ્ટુડન્ટને સફળતા મળી હતી. UPSCમાં આ વખતે ગુજરાતના બે ડેપ્યુટી કલેક્ટર પણ સિલેક્ટ થયા છે, જ્યારે બે સ્ટુડન્ટ ગુજરાતી સાહિત્યના મુખ્ય વિષય સાથે પાસ થયા છે. દેશની સૌથી અઘરી પરીક્ષામાંથી એક UPSCનું સ્ટુડન્ટમાં હંમેશાં આકર્ષણ રહ્યું છે. મોભાદાર પોસ્ટ અને પાવરને કારણે યુપીએસસી ક્લિયર કરવી અનેક સ્ટુડન્ટનું સપનું હોય છે. અનેક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે કે સિવિલ સર્વિસના ઈન્ટરવ્યુમાં કેવા પ્રશ્નો પુછાતા હશે? દિવ્ય ભાસ્કરે આ વખતે પાસ થયેલા ગુજરાતના સ્ટુડન્ટ સાથે વાત કરીને તેમને કેવા કેવા સવાલો પુછાયા હતા અને તેમણે કેવા જવાબો આપ્યા હતા એની વિગતો જાણી હતી.
તમારા શર્ટના બટન કેટલા છે? તમે જે સીડી ચડીને આવ્યા એનાં પગથિયાં કેટલાં છે? યુપીએસીના ઈન્ટરવ્યુમાં આ પ્રકારના પ્રશ્નો પુછાતા હોવાનું તમે અનેકવાર સાંભળ્યું હશે, પણ શું ખરેખર આવા પ્રશ્નો પૂછવામાં આવે છે? તો જવાબ છે ના. આનો ખુલાસો આ વખતે યુપીએસસીમાં ગુજરાતમાંથી બીજા નંબરે આવેલા જયવીર ગઢવીએ કર્યો હતો.

જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, બધા લોકો યુટ્યૂબ પર ઘણા વીડિયો જોતા હોય છે, પરંતુ UPSCમાં આવા સવાલ નથી પુછાતા. તે ખૂબ મેચ્યોર ઓફિસર હોય. તેઓ ક્રિટિકલ, પોલિસી મેકિંગ સવાલો પૂછતા હોય છે. એન્ટરટેઈનિંગ સવાલો નથી પૂછતા. મને ગુજરાતના આર્થિક વિકાસ, વાઈબ્રન્ટ, ગુજરાતની સફળતા, ગુજરાતની ગરીબી, એને દૂર કરવાના ઉપાયો, નવી શિક્ષણ નીતિ અંગેના સવાલો પૂછ્યા હતા.
સવાલ: તમને નાગાલેન્ડમાં પોસ્ટિંગ આપવામાં આવે તો વિકાસ કેવી રીતે કરશો?
જવાબ: બ્યૂરોક્રસી, પોલિટિકલ લીડર અને જનતા સાથે મળીને કામ કરીએ તો આપણે ટાર્ગેટ અચિવ કરી શકીએ. કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ બધાએ ભેગા મળીને કામ કર્યું અને આજે એ ઘણું ડેવલપ થયું છે. એ જ રીતે નાગાલેન્ડમાં પણ સાથે મળીને કામ કરીએ તો ત્યાંનો વિકાસ કરી શકીએ છીએ.
જ્યારે 653 રેન્ક સાથે યુપીએસસી પાસ કરનાર કાર્તિકેય કુમારને નવો જ અનુભવ થયો હતો. તેમણે કહ્યું, “મારી હોબી થોડી અલગ છે, હું ઉર્દૂ શાયરી વાચું છું. મારો ઇન્ટરવ્યુ લેવા માટે ખુદ UPSC ચેરપર્સન મનોજ સોની બેઠા હતા,જેમણે પહેલા મિર્ઝા ગાલિબની ખૂબ જૂની શાયરી કહી હતી. જે આ પ્રમાણે છે: ज़ुल्मत-कदे में मेरे, शब-ए-ग़म का जोश है; इक शम`अ है दलील-ए-सहर, सो ख़मोश है. બાદમાં એનો અર્થ પૂછ્યો હતો, જે ખૂબ જ લાંબો થતો હતો અને મેં મારી રીતે તેમને સમજાવ્યો હતો. એ પછી ફરી એક શાયરી અડધી બોલીને એને પૂરી કરવા કહ્યું હતું. કાર્તિકેય કુમાર કહે છે, પ્રથમ શાયરીનો હું જે સમજ્યો એ પ્રકારનો સવિસ્તાર અર્થ તેમને કહ્યો હતો. અને બીજી શાયરી પણ મને ખબર જ હતી, એટલે એ પણ પૂરી કરી આપી હતી. ઉપરાંત એક બોર્ડ મેમ્બરે તેમણે નોકરીનો યાદગાર અનુભવ પૂછ્યો હતો.
સવાલ: बाजीचा-ए-अतफ़ाल है दुनिया मेरे आगे આ અધૂરી શાયરી પૂરી કરો
જવાબ: होता है शब्-औ-रोज़ तमाशा मेरे आगे
સવાલ: તમારી નોકરી દરમિયાનનો યાદગાર અનુભવ કહો
જવાબ: એ સમયે હું ઇન્કમટેક્સ વિભાગમાં નવોસવો હતો. બે-અઢી વર્ષથી એક વ્યક્તિનું રિટર્ન અટકેલું હતું. હું તેમની મદદ કરી શક્યો અને 15 દિવસમાં તેમનું રિટર્ન અપાવ્યું હતું. એ વ્યક્તિએ મારો બહુ જ આભાર માન્યો હતો.
યુપીએસસીના 601મા રેન્કધારક અક્ષેશ એન્જિનિયરે કહ્યું હતું કે મારા ઈન્ટરવ્યુમાં મને મદ્રાસ આઇઆઇટી અંગેના સવાલો પૂછ્યા હતા. હું એરોસ્પેસ એન્જિનિયર છું, એટલે રશિયા-યુક્રેનમાં જે વોર ચાલે છે એમાં એરોસ્પેસનો શું ઉપયોગ થયો હતો? ક્યાં ક્યાં પ્રકારના પ્લેનનો ઉપયોગ થયો હતો? એનો શું ફાયદો થયો હતો એ વિશે મને પૂછવામાં આવ્યું હતું.
સવાલ: રશિયાએ યુક્રેનમાં એનું દુનિયાનું સૌથી મોટું કાર્ગો પ્લેન ડિસ્ટ્રોય કર્યું એનું નામ શું છે?
જવાબ: AN225 મ્રિયા છે. એ સોવિયેત યુનિયન વખતનું પ્લેન છે.
સવાલ: LICનો IPO આવ્યો એમાં શું કોન્ટ્રોવર્સી થઈ હતી?
જવાબ: શરૂઆતમાં સરકાર 65 હજાર કરોડની કિંમતનો IPO લોન્ચ કરવાની હતી, પણ પછી માર્કેટ જ્યારે બહુ વોલેટાઇલ હતું અને રશિયા-યુક્રેનનું વોર ચાલતું હતું એને લીધે સરકારે નિર્ણય કર્યો કે હવે 21 હજાર કરોડનો એટલે કે કુલ LICની જે વર્થ છે એના ફક્ત 3.5 ટકા કિંમતનો આઇપીઓ લોન્ચ કર્યો.
યુપીએસસીમાં ગુજરાતમાં પહેલો નંબર મેળવનાર હિરેન બારોટે કહ્યું હતું કે મને મારા અભ્યાસક્રમના નોકરીના સંબંધિત સવાલો જ પૂછ્યા હતા. ઉપરાંત ફાઇનાન્સિયલ ઓડિટ તેમજ સોશિયોલોજી અંગેના સવાલો પૂછ્યા હતા. જોકે કેટલીક વખત ઇન્ટરવ્યુઅર તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચકાસવા, અણધાર્યા સવાલ કે સિચ્યુએશન તમે કઈ રીતે ફેસ કરો છો એ જોવા માટે રેન્ડમ સવાલો કરતા હોય છે. જોકે તમે સવાલના જવાબ ન આપી શકો તો ફરીથી અભ્યાસક્રમ અનુસારના પ્રશ્નો શરૂ કરે છે.

સવાલ: જનરલ રિપોર્ટ એવું કહે છે કે IBCમાં જોઈએ એવી રિકવરી નથી થઈ રહી, એ વિશે તમારું શું કહેવું છે?
જવાબ: કંપની એન્ટર થાય છે ત્યારે એની એસેટની ક્વોલિટી કેવી છે એના પર એ વધારે ડિપેન્ડ કરે છે કે કેટલી રિકવરી થશે? ઘણા લોકો એસેટ ક્વોલિટી બગડી ગયા પછી આવતા હોય છે, જ્યારે પ્રાઈવેટ લિક્વિડેટર બધું જોતા જ હોય છે અને બીજું એ કે આશરે 250 કંપની રિકવર કરી રહી છે. એમાંની એક બિનાની કંપની છે, જેમાં 0 ટકા નુકસાન હતું, એટ્લે કેસ ટુ કેસ ડિફર કરતું હોય છે.UPSCના ઇન્ટરવ્યુઅર કોણ હોય છે? ક્યાં લેવાય છે ઇન્ટરવ્યુ?
સામાન્ય રીતે UPSCનો ઇન્ટરવ્યુ લેવા માટે બેઠેલા લોકો કોણ હોય છે એ જાણવા અંગે લોકોને અને વિદ્યાર્થીઓને હંમેશાં ઉત્સુકતા રહેતો હોય છે. આ અંગે સ્પિપા(SPIPA), અમદાવાદના કોર ફેકલ્ટી બ્રિજેશ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મોટે ભાગે પાંચ લોકોની પેનલ હોય છે. જેમાં એક UPSCનો મેમ્બર હોય છે અને તેઓ એ પેનલના ચેરમેન ગણાય છે. એ સિવાય બાકીના ચાર, જે-તે વિષય કે ક્ષેત્રના એક્સપર્ટ હોય છે. એમાં મોટે ભાગે રિટાયર્ડ IFS, IAS, IPS કે આર્મીમેન પણ હોય શકે છે. તેઓ અનુભવી હોય છે. આવી પાંચ લોકોની કેટલી પેનલ બનાવવી એ UPSCના ચેરપર્સન નક્કી કરે છે. જેટલી સીટો પર વેકેન્સી હોય એના કરતાં બેથી અઢી ગણા કેન્ડિડેટને બોલાવવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ સામાની રીતે અડધો કલાક ચાલે છે. પરંતુ ક્યારેક રસપ્રદ વાતો થાય તો એક કલાક સુધી પણ ચાલી શકે છે. UPSCનો ઇન્ટરવ્યુ દિલ્હીમાં ધોલપુર હાઉસમાં UPSCના ભવનમાં જ લેવામાં આવે છે.