અમૂલ ઓર્ગેનિક તરફ:ડેરી સેક્ટરની અગ્રણી અમૂલે હવે ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું
દેશની ટોચની ડેરી કંપની જીસીએમએમેફની અમૂલ બ્રાન્ડ હવે ઓર્ગેનિક ઘઉંના લોટ સાથે ફૂડ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. આગામી સમયમાં કંપની મગ દાળ, તુવેર દાળ, ચણા દાળ, અને બાસમતી ચોખામાં ઝંપલાવશે. ત્રિભુવન દાસ પટેલ મોગર પૂડ કોમ્પ્લેક્સ ખાતે સ્થિત આર્ટ પ્રોસેસિંગ ફેસિલિટીમાં અમુલ ઓર્ગેનિક આટાનું ઉત્પાદન શરૂ થયુ છે. કંપનીના એમડી આર એસ સોઢીએ આ અંગે જણાવ્યુ હતુ કે, દૂધની જેમ અમે ઓર્ગેનિક ખેડૂતોને આવરી લઈ સહકારી મંડળી બનાવવાની પ્રક્રિયાને વિકસિત કરી છે. જે ખેડૂતોની આવકોમાં વધારો કરશે.

એકંદરે ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીના લોકશાહીકરણને વેગ આપશે. હાલમાં, ખેડુતો માટે મોટો પડકાર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે માર્કેટ અને તેના લેબ ટેસ્ટિંગ સુવિધાનો અભાવ છે. જેમાં ખર્ચ પણ વધુ છે. જેથી ઓર્ગેનિક ખેડૂતો માટે માર્કેટ સ્થાપિત કરી અમૂલ દેશભરના 5 સ્થળોએ ઓર્ગેનિક લેબ ટેસ્ટ શરૂ કરવાની કામગીરી શરૂ કરી છે. અમદાવાદની અમૂલ ફેડ ડેરીમાં પ્રથમ લેબની સ્થાપના કરવામાં આવી રહી છે. જીસીએમએમએફએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક ઘઉંનો લોટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ તેના ગ્રાહકોને વધુ ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલીના મિશન પર આગળ વધારવામાં મદદ કરવાનો છે.

અમૂલ ઓર્ગેનિક આટા જૂનનાં પહેલા અઠવાડિયાથી શરૂઆતમાં ગુજરાતમાં અમૂલ પાર્લર અને અગ્રણી રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે. ગુજરાત, દિલ્હી-એનસીઆર, મુંબઇ અને પુણે જૂન પછી હોમ ડિલિવરી માટે પ્રોડક્ટ ઓનલાઇન ઉપલબ્ધ રહેશે. રૂ. 60ની એમઆરપીમાં 1 કિગ્રા અને રૂ. 290ના એમઆરપીમાં 5 કિલોગ્રામ એમ બે પેકમાં ઉપલબ્ધ રહેશે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. દેશ અને વિશ્વમાં પોતાની ડેરી પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત છે. અમૂલ બ્રાન્ડ દૂધથી માંડી આઈસક્રીમ, કોલ્ડડ્રિંક્સ સહિતની પ્રોડક્ટ્સ વેચે છે. ટૂંકસમયમાં તે ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ વર્ચસ્વ સ્થાપિત કરે તેવો સંકેત આપ્યો છે. અમૂલ બ્રાન્ડે અમૂલ ઘઉંનો લોટ પ્રોડક્ટ લોન્ચિંગની માહિતી ટ્વિટર મારફત આપી છે.

ટ્વિટર પર લખ્યુ હતુ કે, ગૃહ મંત્રી અમિત શાહની સલાહ પર કંપનીએ અમૂલ ઓર્ગેનિક ઘઉંનો લોટ લોન્ચ કર્યો છે. તેમજ ખેડૂતોને સસ્તામાં ટેસ્ટિંગ સુવિધા આપવા દેશભરમાં 5 જૈવિક પરીક્ષણ પ્રયોગશાળા પણ સ્થાપિત કરી રહી છે.